About Us

Pujya Gurudevshree

વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુની ભવ-નાશ કરતી વાણી શાશ્વત છે અને ભવ્ય, આસન્નભવ્ય,અતિ આસન્નભવ્ય અને અચરમ શરીરી મુમુક્ષુઓ (કે જેને 2-4 ભવ જ બાકી છે.) એવા રૂડા જીવોના સ્વભાવ સન્મુખ પુરુષાર્થમાં ઉત્કૃષ્ટ નિમિત્ત બનતી આવી છે, બની રહી છે અને બનતી રહેશે.

વર્તમાન શાસન નાયક, પરમભટ્ટારક, પરમ વીર એવા શ્રી વર્ધમાન મહાવીર પ્રભુએ ચોથા કાળના અંતમાં "આત્માની ગર્જના" કરી કે જેની ગુંજ પંચમ કાળના અંત સુધી સંભળાશે.

એ વીર પ્રભુના લઘુનંદન, હાલતા ચાલતા સિદ્ધ એવા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય કુંદકુંદે "સીમંધર પ્રભુની દિવ્ય દેશનાની ગર્જના" ભરતક્ષેત્રમાં કરીને પંચમકાળને પણ લીલો છમ કરી દીધો છે.

ત્યારબાદ એક હજાર વર્ષ પશ્ચાત આ કાળના હાલતા ચાલતા સિદ્ધ એવા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ થયા. તેમણે સમયસાર આદિ અનેક શાસ્ત્રોની ટીકા દ્વારા “ચૈતન્યની ગર્જના” કરી અને આ વિષમ કાળમાં જ્ઞાન-અમૃત વર્ષાવ્યા છે.

આ કાળના બીજા મહાવીર સમ પુરુષ, અધ્યાત્મ યુગ સર્જક એવા પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી એ 45-45 વરસ સુધી "જ્ઞાયક ની ગર્જના" કરીને સમ્યકદર્શન રૂપી ફેક્ટરીનું સફળ સંચાલન કર્યું છે કે જે આવતા 18,500 વર્ષ સુધી અસ્ખલિત ચાલશે.

પૂજ્ય ગુરૂદેવશ્રીની સભાના અજોડ રત્ન, ધન્ય અવતાર, પૂજ્ય બહેનશ્રી ચંપાબેને "પુરુષાર્થની ગર્જના" કરીને પુરુષાર્થ પ્રેરક ઉપદેશ આપી મુમુક્ષુ સમાજ પર ખુબ જ કરુણા કરી છે.

અમે ગર્જતો જ્ઞાયક પરિવાર આ "વીતરાગી ગર્જના" કરનાર વીર-કુંદ-કહાન-માતના દાસાનુ દાસ છીએ.

આવી અદભૂત "જ્ઞાયકની ગર્જના" ને આત્મસાત્ કરીને પોતાના પરમ કલ્યાણ હેતુ અને ભરતક્ષેત્રના જીવ માત્ર ને આવા "સ્વભાવની ગર્જના" નો લાભ થાય એ હેતુ "ગર્જતો જ્ઞાયક અધ્યાત્મિક ટ્રસ્ટ" નું નિર્માણ થયું છે.

પૂજ્ય ગુરુદેવ અને ભગવતી માતાના મંગલ આશીર્વાદથી અને મુમુક્ષુ સમાજના સહયોગથી, ગર્જતો જ્ઞાયક પરિવાર દ્વારા થયેલા કાર્યોની સૂચિ નીચે મુજબ છે.

  1. સૌ પ્રથમ વાર T.V. (અરિહંત ચેનલ) પર 1st May 2016 થી પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ પ્રવચન દરરોજ સવારે 6.40 વાગેથી નિરંતર ચાલી રહ્યા છે.
  2. સૌ પ્રથમ વાર T.V. (અરિહંત ચેનલ) પર 1st January 2017 થી પૂજ્ય ભગવતી માતા બહેનશ્રી ચંપાબેનની અધ્યાત્મિક તત્વચર્ચા દરરોજ સવારે 7.10 વાગેથી નિરંતર ચાલી રહી છે.
  3. 2015 માં લોનાવાલા (મહારાષ્ટ્ર) ખાતે 41 ઇંચના પાષાણના મૂળ નાયક મહાવીર ભગવાનની મંગલકારી વેદી પ્રતિષ્ઠા તથા વેદી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે 3 દિવસનું ભવ્ય વિશેષતાવાળું આયોજન.
  4. સૌ પ્રથમવાર લોનાવલા જિન મંદિરમાં રંગોળીનું ભવ્ય આયોજન.
  5. વેસ્ટર્ન રેલ્વેના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઈ ટ્રસ્ટને વ્યક્તિગત પરમિશન આપી હોય તો તે છે ગર્જતો જ્ઞાયક અધ્યાત્મિક ટ્રસ્ટ કે જેણે સોનગઢ રેલવે સ્ટેશન પર પૂજ્ય ગુરુદેવશ્રીના નામનું 1500 સ્કે.ફિટનું અત્યંત આધુનિક AC Waiting Room (કે જેનો આકાર પરમાગમ મંદિર જેવો છે.) બનાવી વેસ્ટર્ન રેલ્વેને સમર્પિત કર્યું છે.
  1. સમાધિતંત્ર, મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રો પર પૂજ્ય ગુરુદેવશ્રીના અક્ષરસ: પ્રવચનનું પ્રકાશન અને વિમોચન.
  2. જિનાગમનો અદ્ભુત અકાટ્ય સિદ્ધાંત, ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવશ્રીના "ક્રમબદ્ધ પર્યાય" પર Quotations નું સંકલન અને પ્રવચનોનું પ્રકાશન અને વિમોચન.
  3. "સમયસાર કહાનસાર" શતાબ્દી વર્ષના મહોત્સવનું માર્ચ 2021 થી માર્ચ 2022 સુધી ભિન્ન ભિન્ન સ્થળે અને ભિન્ન ભિન્ન માધ્યમથી ઉજવણી.
  4. સમસ્ત દિગંબર સમાજમા પહેલીવાર સમયસારજી પરમાગમનુ એક સાથે પાંચ ભાષામાં ( પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ગુજરાતી, મરાઠી ) પ્રકાશન.